અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ભવનમાં આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે ‘યુવા ભારત મજબૂત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં G-20 અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ હેઠળ યુવાનો સાથે સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા, પ્રોફેસર વિક્રમ રાવલ, મુખ્ય મહેમાન રવીન્દ્ર કન્હેરે ચેરમેન ફી રેગ્યુલરિટી કમિટી ભોપાલ, બિકાનેરથી મહારાજા ગંગાસિંહ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર મનોજ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના ઝુલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આઝાદીના 75માં વર્ષમાં આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત સરકારના G-20 કાર્યક્રમ અંતર્ગત આ યુનિવર્સિટી ખાતે જ કૂલપતિ નીરજા ગુપ્તા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ ઐતિહાસિક દૃષ્ટિએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને ભારતીય સંસ્કૃતિને ટાંકીને ખગોળ વિજ્ઞાન અંગે પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે ભારતના જુદા જુદા રાજ્યોની ભૌગોલિક સંસ્કૃતિ અંગે પણ પોતાના વિચાર રજૂ કર્યા હતા. અને ભારતીય પરંપરા અને વિજ્ઞાનને સરખાવીને સંસ્કૃતિના લેખાં-જોખાં આપ્યા હતા. ઉપરાંત કૂલપતિએ ચંદ્રયાન-3 ને યાદ કરીને ભારતીય વૈજ્ઞાનિકો અને ઇસરોના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં લિંગ, જાતિ અને સમાનતાના મૂળભૂત અધિકારો વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી, તે ઉપરાંત સરકારી આંકડા તેમજ વિકાસની રૂપરેખા તેમજ વસતી વિષયક નિયંત્રણ રોજગાર અર્થે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ભારતના ભવિષ્ય દેશની ટોચની યુનિવર્સિટીઓ અંગે ચર્ચા કરી હતી. સ્કીલ ઇન્ડિયા મિશન અંગે, સ્વાસ્થ્ય લક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી યુવાનો સાથે સંવાદ કર્યો હતો.