પાલનપુરઃ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઘણીબધી શાળાઓ એવી છે. કે, જ્યાં પુરતા શિક્ષકો નથી, કે શાળાના પુરતા ઓરડાંઓ પણ નથી. બનાસકાંઠા જિલ્લાના ભાંભરના માનપુર પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. જેમાં શાળાના કૂલ ત્રણ ઓરડાં છે. જેમાં બે ઓરડાં જર્જરિત હોવાથી કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વરસાદી સીઝનમાં શાળાના બાળકોને ખૂલ્લામાં બેસીને ભણવાની ફરજ પડી રહી છે. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા આ અંગે વારંવાર રજુઆત કરવા છતાંયે નવા ઓરડાં બનાવવામાં આવતા નથી.
ભાભરના માનપુરા પ્રાથમિક શાળામાં 3 ઓરડામાંથી 2 ઓરડાઓ જર્જરીત હોવાથી ધોરણ-3 થી 5 ના બાળકો ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે. જ્યારે એક ઓરડામાં બાલવાટિકા તેમજ ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓ બેસાડવામાં આવી રહ્યા છે. તેમજ શાળામાં પ્રાર્થના હોલ, પીવાના પાણી સહિત સ્ટાફની ઘટ પણ જોવા મળી રહી છે.
માનપુરા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 અને બાલવાટીકા સાથે કુલ 6 વર્ગ ચાલે છે. જેમાં 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માનપુરા પ્રાથમિક શાળાના ત્રણ ઓરડામાંથી 2 ઓરડા જર્જરીત છે અને હાલ એક ઓરડો છે તેમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો બેસાડવામાં આવે છે. તેમજ જર્જરિત ઓરડાને તાળાં મારીને ધોરણ 3 થી 5ના બાળકો લીમડાના ઝાડ નીચે ખુલ્લા આકાશમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં વિદ્યાર્થીઓને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવશે તે એક સવાલ છે. બાલવાટીકા સહીત ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને એક સાથે રૂમમાં બેસાડીને અભ્યાસ કરાવે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી શકે છે. શિક્ષકો આવી હાલત હોવા છતાં શિક્ષણ આપી રહ્યા છે તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી, તેમજ પ્રાર્થના હોલ, મધ્યાહન ભોજન લેવા માટે પણ ખુલ્લામાં બેસવું પડે છે. શાળામાં બાલવાટિકા સહિત 1 થી 5 ધોરણમાં કુલ 6 વર્ગમાં 2 શિક્ષકો દ્વારા જ શિક્ષણ આપવામાં આવે છે. એક શિક્ષકની જગ્યા પણ ખાલી છે.
આ અંગે ગામના સરપંચ બળવંતજી ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે. બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે, તંત્રને વારંવાર લેખિત રજૂઆત કરી છે છતાં આજદિન સુધી નવીન ઓરડાનું કામ ચાલુ થયું નથી. તાત્કાલિક ધોરણે બાળકોને સુવિધા આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે.