અમદાવાદઃ શહેરના એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થતો જાય છે. ત્યારે હવે 11મી જાન્યુઆરીથી અયોધ્યા જવા માટેની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ નોન સ્ટોપ અયોધ્યા પહોંચશે. જેનું મહત્તમ ભાડું હાલ 3,999 રાખવામાં આવ્યું છે. અમદાવાદથી અયોધ્યા પહોંચતા આ ફ્લાઈટમાં મુસાફરોએ 1 કલાક 50 મિનિટનો સમય લાગશે. અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે જતાં પ્રવાસીઓને માટે સાનુકૂળ બની રહેશે.
અયોધ્યામાં આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં બિરાજશે. પ્રાણ પ્રતિષ્ઠાના આ ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી અનેક લોકો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતથી પણ અનેક સંતો મહંતો સહિત ભક્તો મોટી સંખ્યામાં વિવિધ વાહન વ્યવહાર મારફતે અયોધ્યા પહોંચશે. ત્યારે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ ખાતે 11 જાન્યુઆરીથી નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યા જતા ભક્તો માટે નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. જેનું મહત્તમ ભાડું હાલ 3,999 રાખવામાં આવ્યું છે. અમદાવાદથી અયોધ્યા પહોંચતા આ ફ્લાઈટમાં મુસાફરોએ 1 કલાક 50 મિનિટનો સમય લાગશે.
અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં જ લોકાર્પણ થવાનું છે, ત્યારે વિવિધ ઉડાનોનું સમયપત્રક જાહેર થઈ રહ્યું છે. 6 જાન્યુઆરી 2024થી દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ થશે. ત્યારબાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ત્રિ-સાપ્તાહિક ફ્લાઈટ શરૂ થશે. અયોધ્યા એરપોર્ટને કારણે તિર્થયાત્રીઓને અયોધ્યામાં સીધો પ્રવેશ મળશે. ગુજરાતના પ્રવાસીઓને અયોધ્યા જવા માટે વિમાની સેવાનો લાભ મળશે