દ્વારકાધિશના મંદિર પર ધજા ચડાવવાના મુદ્દે પુજારીઓ અને વ્યવસ્થાપક કમિટી વચ્ચે સર્જાયો વિવાદ
દ્વારકાઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશના મંદિર પર ધ્વજા ચડાવવાના મુદ્દે વ્યવસ્થાપક કમિટી અને અબોટી બ્રાહ્મણો વચ્ચે વિવાદ સર્જાયો છે. પખવાડિયા પહેલા કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગતમંદિર પર છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે મંદિરે છઠ્ઠી ધ્વજાજીના આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે દેવસ્થાન સમિતિને નોટિસ ફટાકરી તેમની માગણી સંતોષવા તથા ૩ દિવસમાં ખૂલાસો કરવા જણાવાયું છે. તેમણે સલામતીની માગ પૂરી નહિ કરાય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અન્વયે ન્યાયાલયના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
દ્વારકાધિશ મંદિર પર 6 ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવા સામે અબોટી બ્રાહ્મણ સમુદાયે વિરોધ કર્યો છે. ધ્વજાવાળા ત્રિવેદી પરિવાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની નોટિસમાં જણાવ્યાનુસાર છઠ્ઠી ધ્વજાના આરોહણ કરવા અંગે અગાઉ ત્રિવેદી પરિવારના સભ્યોને પ્રથમ મિટિંગમાં બોલાવ્યા હતા. ત્યારે છઠ્ઠી ધ્વજાજીના આરોહણ અંગે તેમનો અભિપ્રાય લેતી વખતે ત્રિવેદી પરિવારે ધ્વજારોહણ કરનારની સેફટી બાબતે તેમજ સન્માનજનક લોગો આપવા અંગે જણાવ્યું હતું. તેમ છતાં છઠ્ઠી ધ્વજાજીના આરોહણના નિર્ણય લેતી વખતે ત્રિવેદી પરિવારની કોઈ જ સંમતિ લેવાઈ ન હોવાનું જણાવી તેમણે માગણી અંગે દેવસ્થાન સમિતિ દ્વારા હાલ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. એને લઈ ત્રિવેદી પરિવારે નોટિસ ફટકારી ત્રણ દિવસમાં જવાબ આપવા માગ કરી છે. ત્રિવેદી પરિવારે સલામતીની માગણી પૂરી કરવામાં નહીં આવે તો નાછૂટકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે ન્યાયાલયની દાદ માગવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અબોટી બ્રાહ્મણોએ ધ્વજાજીનો અધિકાર મળ્યો હોવા છતાં તેમને વિશ્વાસમાં લીધાં વિના છઠ્ઠી ધ્વજાજીના નિર્ણય કરાતાં વિવાદ વકર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરના શિખર પર દરરોજ છ ધ્વજાજીનું આરોહણ કરવાનો નિર્ણય મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો હતો, જેમાં પ્રાત અધિકારી અને મંદિર વહીવટદાર પાર્થ તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય રમેશભાઈ હેરમા અને મુરલીભાઈ ઠાકર તેમજ કમલેશભાઈ શાહની હાજરીમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે એમ નક્કી કરાયું છે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. જ્યારે આગામી 1લી નવેમ્બરથી ઓનલાઈન પોર્ટલ શરૂ થાય એવી વિચારણા પણ બેઠકમાં કરાઈ હતી.