Site icon Revoi.in

અમદાવાદમાં સ્મશાન ગૃહના લાકડાના ટેન્ડરનો વિવાદ સર્જાયો

Social Share

અમદાવાદઃ શહેરના સ્મશાનગૃહો માટે લાકડા પુરા પાડવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.  જોકે, માનીતા કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કર્યાનો આક્ષેપ થતાં આખરે સ્ટેન્ડિંગ કમિટીએ ટેન્ડર રદ કર્યું છે. હાલ પ્રતિ મણ લાકડાના રૂ.69 પૂરા પડાય છે. પરંતુ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની બેઠકમાં એક સંસ્થાને પ્રતિ મણ રૂ.82.85ના ભાવે સ્મશાન ગૃહને લાકડા પૂરા પાડવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. આ મામલે વિવાદ થતાં ટેન્ડર રદ કરી નાખવામાં આવ્યું છે. જોકે જ્યાં સુધી નવું ટેન્ડર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી અથવા વધુમાં વધુ 4 મહિના સુધી ટેન્ડર રદ થયેલી સંસ્થાને રૂ.82.85 પ્રતિ મણના ભાવે સ્મશાનને લાકડા પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અર્થાત્ લોકોએ સંસ્થાને મણ દીઠ 12.85 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

અમદાવાદ શહેરના સ્મશાન ગૃહોમાં વર્ષે અંદાજે 5 લાખ મણ લાકડાનો ઉપયોગ થતો હોય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્મશાન ગૃહમાં લાકડાં પુરા પાડવા માટે ટેન્ડર જારી કરીને નીચા ભાવ મળ્યા હોય તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. આ વખતે પણ એએમસી દ્વારા સ્મશાન ગૃહો માટે લાકડાં પુરા પાડવા માટે ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું. પણ પસંદગીના કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે માટે મ્યુનિ. અધિકારીઓએ ટેન્ડરની શરતોમાં ફેરફાર કર્યા હતા. તેની લીધે વિવાદ થયો હતો. ટેન્ડર રદ કરાય તો જે કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ હોય તેની મુદત લંબાવી આપવામાં આવે છે. પરંતુ સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્તમાં નવા કોન્ટ્રાક્ટરને લાકડાં પૂરા પાડવાની મંજૂરી અપાઈ છે.

સૂત્રોના કહેવા મુજબ  નવી એજન્સી તથા મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ આપવા માટેની ટેન્ડરમાં ગોઠવણ કરાઈ હતી. અગાઉ ગરીબ મૃતકની અંતિમ વિધી માટે 360ની સબસિડી અપાતી હતી. જે નવા ટેન્ડરમાં બંધ કરી દેવાઈ છે. તેમજ જૂના ટેન્ડરમાંની શરતોમાં સ્મશાનમાં લાકડા સપ્લાય કરવાનો અનુભવ ફરજિયાત હતો, જ્યારે નવા ટેન્ડરમાં આ શરત રદ કરવામાં આવી હતી.