Site icon Revoi.in

ખંભાળિયાના બહેગામ નજીક નદીનો કોઝવે પસાર કરતા ડોકટર તણાયા, અંતે ગ્રામજનોએ બચાવ્યા

Social Share

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળઆઓ છલકાયાં છે.  જિલ્લાની નદીઓ બેકાંઠા વહી રહી છે. જેમાં ખંભાળિયા નજીક બેહગામ પાસે કોઝવે પસાર કરી રહેલા PHCના ડોકટર તણાયા હતા. જેની જાણ ગામના સરપંચને થતા જ સરપંચ અને SRDના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ડોકટરે ધસમસતા પાણીના પ્રવાહમાંથી ઉગારી લીધા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદથી તમામ નદીઓ બેકાંઠા વહી રહી છે, દરમિયાન બેહગામ પાસે નદીના કોઝવે પસાર કરીને સામાકાંઠે જતા  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર પાણીમાં તણાયા હતા. અને બચાવો બચાવોની બુમો પાડવા લાગ્ય હતા, ડોકટર તણાઈ રહ્યાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. ગામના સરપંચ પણ ટ્રેકટર અને દોરડા સાથે નદીકાંઠે પહોંચી ગયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યૂ માટે SRDના જવાનો પણ આવી પહોંચ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ડોકટરને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

કલ્યાણપુર તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે બેહ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કોઝવે પરથી ધસમસતું પાણી જઈ રહ્યું હતું. બેહ PHCના ડોકટર બારા જવા નીકળ્યા હતા. આ સમયે કોઝવે પર ધસમસતું પાણી જઈ રહ્યું હોવાના કારણે ડોકટર તણાયા હતા. જો કે, કોઝવે નજીક જ ઝાડીઓ હોવાથી તે પકડી લેતા તેનો બચાવ થયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે આવેલા છે. દરેક કોઝવે પર પાણીનું માપ પણ લખેલું હોય છે. ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી જતું હોય ત્યારે પાણીનું લેવલ નીચું ઉતરે તેની રાહ જોવી જોઈએ. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને સાવચેત કરાયું છે.