અમદાવાદઃ ગુજરાત એસટી દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એસજી હાઈવે પરથી ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગરથી સરખેજ જતી એસટીની ડબલ ડેકર તેમજ એસી બસો ઓવરબ્રીજ ઉપરથી જ પસાર થતી હોવાથી બ્રિજ નીચે બનાવેલા એસટી સ્ટેન્ડ પર બસની રાહમાં ઉભેલા મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. એસ ટી નિગમના નિયમ મુજબ બસોને ઓવરબ્રીજ ઉપરથી લઇ જવાની નથી. તેમ છતાં ગાંધીનગરથી સરખેજ રોડ ઉપર દોડતી ડબલ ડેકર અને એસી બસો ઓવરબ્રીજ ઉપરથી પસાર થતાં પાસ હોવા છતાં મુસાફરોને સમયસર બસ નહી મળવાથી ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે ઓવરબ્રીજ નીચે નિયત સ્ટેન્ડ પર બસ લઈ જવાની પ્રવાસીઓમાં માગ ઊઠી છે.
ગુજરાત એસટી નિગમ દ્વારા બસોને એસજી હાઈવે પરના ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત ડેપો મેનેજરોને ઓવરબ્રીજ ઉપરથી બસોને લઇ જવામાં આવે છે કે નહી તે અંગેની આકસ્મિક તપાસ કરીને આદેશનું પાલન નહી કરનાર ડ્રાઇવર કે કંડક્ટરની સામે નિયમોનુસાર પગલાં લેવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે. પરંતું એસ ટી નિગમના આદેશનું પાલન રાજ્યના પાટનગર ગાંધીનગર ડેપોમાંથી ઉપડતી ગાંધીનગર સરખેજની ડબલ ડેકર અને એસી બસોના ચાલકો દ્વારા પાલન કરવામાં આવતું નથી. જોકે મુસાફરોએ ઓવરબ્રીજ ઉપરથી જતી ડલબલ ડેકર અને ઇલેક્ટ્રીક એસી બસોના ચાલકોની સામે પગલાં લેવાની માગણી કરી છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજ અપડાઉન કરતા લોકોના કહેવા મુજબ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પાસ યોજનાનો લાભ લઇ રહ્યા છે. તેમ છતાં સમયસર બસ નહી મળવાથી પાસ ધારકોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. કેમ કે બસોને ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો આદેશ હોવા છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી. જોકે બસોને ઓવરબ્રીજ ઉપરથી નહી પરંતુ ઓવરબ્રીજની બાજુમાં બનાવલેલા સર્વિસ રોડ ઉપરથી લઇ જવાની રહેશે. આથી સર્વિસ રોડ ઉપર બનાવેલા બસ સ્ટેન્ડ ખાતેથી મુસાફરોને લેવા તેમજ ઉતારવાનો નિયમ છે. તેમ છતાં ગાંધીનગર ડેપોમાંથી દોડતી ઇલેક્ટ્રીક ડબલ ડેકર અને ઇલેક્ટ્રીક બસોના ચાલકો તેનું પાલન કરતા નથી. ઉપરાંત કલોલ ડેપોની બસો પણ ગોતા અને સરખેજ ઓવરબ્રીજ ઉપરથી પસાર થતી હોય છે. આથી આવા બસના ડ્રાઇવર અને કંડક્ટરની સામે પગલાં લેવામાં આવી તેવી આશા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે