Site icon Revoi.in

અમદાવાદમાં લાલદરવાજાથી શીલજ સહિત ત્રણ રૂટ્સ પર કાલે બુધવારથી ડબલડેકર બસ દોડશે

Social Share

અમદાવાદઃ શહેરના લાલ દરવાજાથી શિલજ તેમજ નરોડાથી લાંભા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ કાલે બુધવારથી દોડાવવામાં આવશે. હાલ વાસણા-વાડજ રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. હવે 13મી માર્ચને બુધવારથી વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં વર્ષો બાદ ફરી ડબલ ડેકર બસ શરૂ કરાયા બાદ હવે વધુ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડબલ ડેકર બસમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા ધરાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી ડબલ ડેકર બસ ખરીદીને દોડાવવામાં આવી રહી છે. મહિના પહેલા જ પ્રથમ ડબલ ડેકર બસ વાસણા- વાડજ વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 13મી માર્ચને બુધવારથી શહેરના લાલ દરવાજાથી શિલજ તેમજ નરોડાથી લાંભા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે

એએમટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ  ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે તે મુજબનું જ રહેશે. ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસમાં નીચેના ભાગે બે અને ઉપરના ભાગે બે એમ કુલ 4 જેટલા CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઇવર પાસે વોકીટોકી સેટ રાખવામાં આવ્યો છે. જે મારફતે ડ્રાઇવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે.

ડ્રાઇવરના સામેના ભાગમાં CCTV કેમેરાનું ડેશબોર્ડ લગાવવામાં આવેલું છે. જેમાં CCTV લાઈવ જોઈ શકાય છે. ડબલ ડેકર બસ ફુલ્લી એર કન્ડિશનર  છે. દરેક સીટ વચ્ચે યુએસબી લગાવવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ ચાર્જ સુવિધા પણ છે. બસના આગળ પાછળ અને સાઈડના તરફ રૂટની માહિતી દર્શાવતા ડિજિટલ રૂટ બોર્ડ પણ લગાવવામાં આવેલા છે. તેમજ મુસાફર સલામતી માટેના ઇમરજન્સી એક્ઝિટના કાંચ બ્રોકર પણ રાખવામાં આવ્યા છે.