Site icon Revoi.in

લીંબડીમાં 8 વર્ષ પહેલા બનાવાયેલું નાળું બેસી ગયું, અડધો ડઝન સોસાયટીના લોકોને મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગરઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલી ઘણીબધી ઈમારતો અને પુલો આજે પણ અડિખમ ઊભા છે. ત્યારે હવે એવા મજબુત કામો ભાગ્યેજ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક એવા લીંબડીમાં આઠ વર્ષ પહેલા જ બનાવેલું નાળું એકાએક બેસી જતાં 6 જેટલી સોસાયટીઓના રહિશો મુશ્કેલીમાં મુકાયા છે. લીંબડી રેલવે સ્ટેશન પાસે વોર્ડ નંબર 6મા આવેલું નાળુ બેસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાની નોબત આવી છે. કહેવાય છે. કે, રેતી ભરેલું ડમ્પર નાળા પરથી પસાર થતા નાળુ બેસી ગયુ હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિવશક્તિ નગર, સંત સવૈયાનાથ નગર, વીર મેઘમાયા સોસાયટી, કોળી વિસ્તાર સહિત પાંચથી છ સોસાયટીને જોડતુ નાળુ બેસી જતા રહીશોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે સાસાયટીઓમાં જવા માટે આ નાળાનો રહિશો ઉપયોગ કરતા હતા. આ નાળું ઘણા સમયથી જર્જરિત બની ગયું હતું. આ વિસ્તારના આગેવાનો અને રહીશો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને નવુ નાળુ બનાવવા રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષની લાગણી ફેલાવા પામી છે.

આ અંગે આ વિસ્તારના રહિશોએ જણાવ્યું હતું, કે, અમારા વોર્ડ નંબર-6માં આ નાળુ આઠ-નવ વર્ષ અગાઉ જ બનેલું હોવા છતાં ગત રાત્રે રેતી ભરેલું ડમ્પર નીકળતા આખુ નાળુ બેસી જતા આ નાળાનું કામ ખુબ જ નબળું હોવાનું બહાર આવ્યું હતુ. આથી લાગતા વળગતા તંત્રને આગામી ચોમાસા પહેલા નવું અને મજબૂત નાળું બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે. હાલમાં તો આ નાળું બેસી જતાં આ વિસ્તારના ચારથી પાંચ હજાર લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાની નોબત આવી છે.