ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોના વાર્ષિક પ્રવાસ ભથ્થામાં કરાયો તોતિંગ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોને પણ હવે મોંઘવારી નડી રહી છે. કારણ કે ઘણા વખતથી કેટલાક જિલ્લા પંચાયતોના પ્રમુખોએ પોતાને મળતા માનદ ભથ્થામાં વધારો કરવાની માગ કરી હતી. જિલ્લાના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીને પણ આ સંદર્ભે રજુઆતો કરવામાં આવતી હતી. આખરે રાજ્ય સરકારે જિલ્લા પંચાયતોના પ્રમુખો તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખોને પ્રવાસ ભથ્થા પેટે રૂા.80000ના વાર્ષિક ખર્ચની મર્યાદા હતી તે વધારીને હવે રૂા.1,30,000 કરવામાં આવી છે. જયારે તાલુકા પંચાયતના પ્રમુખોની પ્રવાસ ભથ્થાની વાર્ષિક મર્યાદા રૂા.40000 થી વધારીને રૂા.60000 કરવામાં આવી છે.
ગુજરાતમાં ઘણીબધી જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને હાલ વહિવટદારોનું શાસન છે. જ્યારે કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થવામાં છે. તેવા સમયે રાજય સરકાર દ્વારા પ્રમુખના પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરી છે. રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે પેટ્રોલ, ડિઝલ તથા વાહન મરામતના વધતા ખર્ચ તથા મોંઘવારીના સુચકાંકને ધ્યાને લઈને કેટલાક વખતથી પંચાયત પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત વિચારણામાં હતી. જિલ્લા પંચાયતના પ્રમુખોને પ્રવાસ ભથ્થા પેટે રૂા.80000ના વાર્ષિક ખર્ચની મર્યાદા હતી તે વધારીને હવે રૂા.1,30,000 કરવામાં આવી છે. જયારે તાલુકા પંચાયતના પ્રમુખોની પ્રવાસ ભથ્થાની વાર્ષિક મર્યાદા રૂા.40000 થી વધારીને રૂા.60000 કરવામાં આવી છે.
પંચાયત ઉપસચિવ પિયુષ રાજપંથીની સહીથી જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવાયુ છે કે તા.18/8ના રોજ સરકારની સંમતિ મળ્યાને પગલે આ ઠરાવ કરવામાં આવે છે. પંચાયતોના અન્ય હોદેદારો પણ કેટલાંક વખતથી પગાર-પ્રવાસ ભત્થામાં વધારાની માંગ કરી રહ્યા છે.