સુરતઃ શહેરના પર્વત પાટિયા ગોપાલ કોમ્પલેક્ષની સામે રોડ ઉપર અડચણરૂપ રીતે પાર્ક કરેલી બાઈક ટોઈંગ કરતી વેળા ક્રેઈનના મજુરોને પુણાના યુવકે અસભ્ય વર્તન કરી કટર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ બાઈક ટોઈંગની કાર્યવાહી કરનાર પોલીસ કર્મી અને અન્ય મજુરો સાથે અસભ્ય વર્તન કરતા પુણાના યુવક સામે ગુનો નોંધ્યો હતો.
પુણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહીતી મુજબ પુણા ઈંટરસીટી પુણા પોલીસ સ્ટેશનની સામે રહેતા બીપીન મનુ જાલંધરાની બાઈખ પર્વત પાટિયા ગોપાલ કોમ્પલેક્ષની સામે રોડ ઉપરથી ટ્રાફિક શાખાના એ.એસ.આઈ શંકર ભુરિયાએ મજુરો મારફતે ટોઈંગ કરીને ક્રેન ઉપર ચડાવી દીધી હતી. દરમિયાન ગોપાલ ચેમ્બર્સમાંથી દોડી આવેલા બીપીન જાલંધરાએ ક્રેન ઉપર ચડી જઈ બાઈક ઉતારવા લાગ્યો હતો.
જો કે એ.એસ.આઈ.શંકર ભુરિયા અને ક્રેઈન ઉપર હાજર મજુરોએ બીપીનભાઈને તેમની બાઈક ઉતારતા રોક્યો હતો. જેથી બીપીને એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની બેગમાંથી કટર કાઢી ક્રેન સાથે બાઈકને બાંધેલી રસ્સી કાપવા લાગ્યો હતો. ક્રેન મજુર જીતેન્દ્ર બિરાડે તે વખતે રોક્તા જીતેન્દ્રને હાથ ઉપર કટરથી હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તમારી હિમ્મત કેમ થઈ મારી બાઈક ટોઈંગ કરવાની તેમ કહી મારમારવાની ધમકી આપી હતી. આ અંગે એ.એસ.આઈ. શંકર ભુરિયાએ પુણા પોલીસ મથકમાં બીપીન જાલંધરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.