Site icon Revoi.in

પાટણમાં સિદ્ધપુર ચોકડી પાસે ડમ્પરે બે યુવતીઓને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

Social Share

પાટણઃ રાજ્યમાં બોફામ ઝડપે ચલાવાતા વાહનોને કારણે રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં પાટણમાં સિદ્ધપુર ચોકડી નજીક બે યુવતીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂરફાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બન્નેને યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં એક યુવતીના માથા પર વ્હીલ ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું. જેના પગલે એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી યુવતીને પણ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની જાણ પોલીસને કરી હતી.

પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે ઉપર રેતી ભરીને પૂરઝડપે દોડતાં ડમ્પર ચાલકો સતત અકસ્માત સર્જી રહ્યાં છે. હાઈવે પોલીસ દ્વારા પણ બેફામ દાડતા ડમ્પરો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટણના સિદ્ધપુર ચોકડી ઉપર રવિવારે સવારે ખાનપુરડા ગામની બે યુવતી ખાનગી વાહનમાંથી ઊતરી બસ પકડવા માટે નવા બસ સ્ટેન્ડ તરફ જવા નીકળી હતી. તે દરમિયાન સિદ્ધપુર ચોકડીના ચાર રસ્તા ક્રોસિંગ કરવા જતા સિદ્ધપુર તરફથી આવી રહેલા રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી બંને યુવતીઓને ટક્કર મારી અડફેટે લેતા એક યુવતી ડમ્પરના ટાયર નીચે આવી ગઈ હતી. જેથી છાતીથી માથાનો ભાગ કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. સાથે રહેલી યુવતીને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકોએ રિક્ષામાં શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. ઘટનાના પગલે પોલીસે સ્થળ ઉપર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલી બન્ને બહેનો ખાનપુરા ગામથી બહુચરાજી નજીક એક ગામમાં લગ્નપ્રસંગમાં જવા માટે ઘરેથી નીકળી હતી. સિદ્ધપુર ચાર રસ્તા ઉપર ચા-પાણી કરી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ તરફ જવા નીકળતા રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. બન્ને યુવતીઓ મામા-ફઈની થતી હતી. અકસ્માતમાં ખાનપુરડાની દીપિકાબેન હરગોવનભાઈ પરમાર નામની 24વર્ષની યુવતીનું મોત થયું છે. જ્યારે બાળવાની 30 વર્ષીય યુવતી સુનિતાબેન પરમારને ગંભીર ઈજા પહોંચી છે.