અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા ઉપવાસ અને રેલી યોજાઈ
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી બ્રિજ એટલે હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષમાં જર્જરિત બની જતાં મ્યુનિ.ના સત્તાધિશો સામે વિરોધ ઊબો થયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવતા સમયે તેના મટિરિયલ્સ સહિત ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યો છે. અને બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પ્રશ્ને મ્યુનિ.દ્વારા કસુરવારો સામે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે એએમસીના સત્તાધિશોને ઢંઢોળવા માટે પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ 72 કલાકના ઉપવાસ પર ઉતર્યા છે. જ્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ જન આક્રોશ રેલીના માધ્યમથી ભાજપ સાશનના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો.
એએમસી વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાની આજે સોમવારે આક્રોશ રેલીનું આયોજન કરાયુ હતુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગમા શાસક પક્ષની મિલીભગત થી થતાં ભ્રષ્ટ્રાચાર અને હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તાના કામમાં સંડોવાયેલ તમામને સજા કરવાની માગણી સાથે કમિશનરને આવેદન પત્ર અપાયું હતુ. જ્યારે હાટકેશ્વર બ્રિજના પ્રશ્ને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ 72 કલાકનો ઉપવાસ પર ઉતર્યા છે. જ્યોર્જ ડાયસ સાથે આ કાર્યક્રમમાં પ્રતિક ઉપવાસમાં પૂર્વ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ જોડાયા છે.
કોંગ્રેસ દ્વારા મ્યુનિ.ના સત્તાધિશો સમક્ષ માગણી કરવામાં આવી છે. કે, હોટકેશ્વર બ્રિજ બનાવવાના મટીરીયલની મોટા પ્રમાણ મા ચોરી કરનારા અને મોટા પાયે ગેરરીતિ કરનારા કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા અને અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલા ભરવાંમાં આવે, તેમજ કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્ટ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારી સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે, પ્રજાના પરસેવાની કમાણીની વસૂલાત કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવે, તેમજ કૌભાંડની તપાસ માટે સીટની રચના કરવાની માંગ કરવામાં આવી છે.