અમદાવાદઃ ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં એપીએમસી ( એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી) માર્કેટ યાર્ડ્સ આવેલા છે, ખેડુતો પોતાના કૃષિપાક વેચવા માટે યાર્ડમાં આવે છે. સાથે જ વેપારીઓ પણ ખરીદી માટે માર્કેટ યાર્ડ આવતા હોય છે. હાલ ખરીફ સીઝનના કૃષિ પાકની માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે. ખેડુતોના હિત માટે તમામ માર્કેટ યાર્ડ્સનું એક ફેડરેશન બનાવવાની વિચારણ ચાલી રહી છે. દુધની ડેરીઓનું ફેડરેશન GCMMF (ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) છે. એવું જ ફેડરેશન એપીએમસીનું બનાવાશે. તમામ માર્કેટિંગ યાર્ડ્ઝ એક જ સંસ્થાની છત્રછાયામાં સમાવિષ્ટ થઈ જશે. આમ રાજ્યની દૂધ સહકારી મંડળીઓ અને ડેરીની જેમ જ હવે રાજ્યમાં APMCsનું પણ એક ફેડરેશન બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં માર્કેટયાર્ડમાં ખેડુતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે તેમજ વેપારીઓ પણ પોતાની જરૂરિયાત મુજબ માલ ખરીદી શકે તે માટે તમામ માર્કેટિંગ યાર્ડનું એક ફેડરેશન બનાવાશે. ફેડરેશન બનાવવામાં અમૂલનું અથવા GCMMFનું મોડેલ લાગુ પડાશે. જેમ દૂધની સહકારી મંડળીઓનું ફેડરેશન અમૂલ છે તેવી જ રીતે હવે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડનું એક રાજ્યસ્તરીય ફેડરેશન બનશે જેમાં તમામ APMCsને આવરી લેવામાં આવશે. કહેવાય છે. કે, APMCsના ફેડરેશનનું વડું મથક પાટનગર ગાંધીનગર ખાતે રખાશે. APMCsના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડી શકાશે. એક મહિનામાં APMCsના ફેડરેશનની જાહેરાત કરાશે રાજ્યની APMC ના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો આપવા માટે એક મહત્વની બેઠક પણ તાજેતરમાં મળી હતી.
સૂત્રોના ઉમેર્યું હતુ. કે, રાજ્યમાં મોટાભાગના એપીએમસી ભાજપ હસ્તક છે. એટલે ફેડરેશન બનાવવામાં આવે તો ભાજપના વધુ ખેડુત આગેવાનોને સમાવી શકાય અને ખેડુતોના હીતમાં નિર્ણય પણ લઈ શકાય એવો ઉદેશ્ય છે. ફેડરેશન દ્વારા ભવિષ્યમાં અલગ અલગ APMCના પ્રખ્યાત ઉત્પાદનો અને ચીજવસ્તુઓનું વેચાણ પણ કરી શકાશે. આમ અમૂલ ફેડરેશનની તર્જ પર રાજ્યમાં માર્કેટિંગ યાર્ડને પણ પોતાનું એક ફેડરેશન મળશે જેનાથી તમામ માર્કેટિંગ યાર્ડનું પ્રતિનિધિત્વ પણ મજબૂત બનશે અને રાજ્ય સ્તરીય વ્યવસ્થાનું નિર્માણ થશે.