અમદાવાદઃ કોરોનાકાળમાં પોલીસની કામગીરીમાં વધારો થયો છે. મહિલા પોલીસ કર્મચારીઓ પણ પોતોના નાના સંતાનોને ઘરે એકલા મુકીને ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરામાં પોલીસ કમિશનરે મહિલા પોલીસ કર્મચારી પોતાના કામ ઉપર ધ્યાન આપી શકે તેવા હેતુથી પોલીસ સ્ટેશનનોમાં જ મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે ચિલ્ડ્રન રૂમ તૈયાર કર્યાં છે. અહીં બાળકોના રમવાની સાથે જ્ઞાનમાં પણ વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં મહિલા પોલીસ કર્મીઓ પોતાના બાળકો સાથે ડ્યુટી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તો તેમને તકલીફ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે સયાજીગંજ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચિલ્ડ્રન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને રમવા માટે રમકડાં તેમજ બાળકો ને ગમે તેવા કાર્ટુનવાળા સ્ટીકર, બાળકો રમવાની સાથે ભણી શકે એવા પણ સ્ટીકર લગાવ્યા છે. ચિલ્ડ્રન રૂમને સુંદર રીતે શણગારવામાં આવ્યો છે.
રાજ્યમાં મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના બાળકો સાથે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ઘણા કિસ્સામાં મહિલા પોલીસ કર્મચારી પોતાના બાળકને ઘરે એકલા મૂકી ફરજ પર આવવા મજબૂર હોય છે, ત્યારે તેમને પોતાના સંતાનની ચિંતા રહેતી હતી અને પૂરેપૂરું ધ્યાન કામ પર રહેતુ ન હોઈ, વડોદરા પોલીસે મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ ચિલ્ડ્રન રૂમ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેથી મહિલા પોલીસ કર્મચારીઓ પૂરા એકાગ્રતાથી કામમાં ધ્યાન આપી શકે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.