Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડના વાઘલધારા પાસે ટેન્કરે પલટી ખાધા બાદ લાગી ભીષણ આગ

Social Share

અમદાવાદઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધારા પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરે પલટી મારી માર્યા બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અને હાઈવે ટ્રાફિક માટે બંધ કરાયો હતો.  આ બનાવમાં ટેન્કરની પાછળ આવી રહેલા બે કાર પણ આગની જવાળામાં લપેટાઈ હતી. આગ વિકરાળ હોય વાપી, અતુલ અને ચીખલીથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આગના સ્થળેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. જે ટેન્કરચાલક હોવાનું માનવામાં આવે છે. આ બનાવમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક વ્યકિતનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે ટેન્કરનો ચાલક હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે, હાલ તેની ઓળખ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.

વાપી ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા સૌ પ્રથમ વલસાડ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો. જો કે, આગ વિકરાલ હોય વાપી, અતુલ અને ચીખલીથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ સવા આઠ વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવાયો હતો બે કલાકના અંતે આગ પર કાબૂ આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક વ્યકિતની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ​​મૃતદેહ ટેન્કરચાલકનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય કોઈ લોકો ભોગ બન્યા છે કે નહીં તેની પણ હાલ શોધખોળ ચાલી રહી છે. કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાયરની ટીમ વધુ તપાસ હાથ ધરશે.