અમદાવાદ: શહેરમાં છેલ્લા મહિનાઓથી હવાનું પ્રદુષણ વધતું જાય છે. શહેરમાં વધી રહેલા હવાના પ્રદૂષણથી ક્રોનિક બ્રોન્કાઇટિસ, ખાંસી, શ્વાસનળીમાં સોજો જેવી બિમારીના કેસમાં વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા તબક્કાવાર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. મ્યુનિ. કમિશનર એમ થેન્નારસના આદેશ બાદ શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત ગ્રીન નેટ બાંધવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં કમિશનરના આદેશનું ઉલ્લઘંન કરનાર 504 બાંધકામ સાઇટને નોટિસ આપી 66 લાખ વહિવટી ચાર્જ વસુલ કરાયો છે. આ ઉપરાંત શહેરમાં બિલ્ડર્સની સાઈટ પરથી જે ડમ્પરો માટી, રેતી, કપચી ભરીને નિકળે છે તેને ઢાંકવામાં નહી આવતા ડમ્પરો દોડતા હોય ત્યારે એમાંથી માટી અને રેતી ઉડતી હોય છે. આવા વાહનચાલકો સામે પગલાં લેવાની પણ માગ ઊઠી છે.
સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વસતી સાથે એનો વ્યાપ વધ્યો છે. જે રીતે શહેરનો ગ્રોથ વધ્યો છે તેમ જરૂરિયાત પણ વધી છે. ધંધા રોજગાર માટે બહારથી આવતા લોકો માટે આસરો બની રહે તે માટે હવે ઘરોની ડિમાન્ડ પણ વધી છે. તેવામાં શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટના પગલે હવામાં ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો બિમારીનું ઘર કરી રહ્યા છે. એક તારણ મુજબ શહેરમાં હવાના 90 ટકા પ્રદૂષણ માટે સાઇટનો તેમજ રોડ પરથી ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો જવાબાદર મનાઇ રહ્યા છે. બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ બાંધવામાં આવતી ન હોવાથી હાનિકરક સુક્ષ્મ રજકણો સીધા શ્વાસમાં જાય છે. હવામાં ધૂળના સુક્ષ્ણ રજકણો ભળી જતા ઘાતક સાબિત થઇ રહ્યા છે. હવા પ્રદૂષણથી ક્રોનિક બ્રોન્કાઇટિસ, ખાંસી, શ્વાસ નળીમાં સોજા રહેવા, સાથે ફેફસાની પણ બિમારી થઇ શકે છે. હવામાં ઉડતા 10 માઇક્રોન અથવા તેનાથી ઓછું ડાયામીટર ધરાવતા વાયુ રજકણ શ્વાસોશ્વાસ મારફત શરીરમાં પ્રવેશ કરે છે. જે માણસના ફેફસા માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. જે ભવિષ્યમાં ફેફસાંમાં મોટું નુકશાન પહોંચાડી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે કે, જે પણ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોય તેવી બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. તેમજ મોટા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવે. જે અંતર્ગત એએમસી દ્વારા 504 સાઈટને નોટિસ ફટકારી છે, તેમજ હવા પ્રદૂષિત કરતાં બિલ્ડરો પાસેથી 66 લાખ રૂપિયા દંડ વસૂલ કરાયો છે. હવે ડમ્પરોમાં રેતી કે માટીને ઢાંકવામાં નહીં આવે તો પગલાં લેવામાં આવશે.