Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપિડીં કરતા 679 વેપારીઓ પાસેથી 10 લાખનો દંડ વસુલાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક વેપારીઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા 679 વેપારીઓ પાસેથી છેલ્લા આઠ મહિનામાં તોલમાપ વિભાગે 10 લાખ દંડ વસૂલ્યો હતો. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બરમાં 176 કેસ કરી 2.69 લાખ દંડ અને સૌથી ઓછો ગત મેમાં 2 કેસ કરીને 54,500 દંડ વસૂલાયો હતો. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 51 કેસ કરીને 1.50 લાખ દંડ વસૂલાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ તોલમાપ વિભાગે ગત એપ્રિલથી અત્યાર સુધીમાં પેકેજ કોમોડિટી રૂલ, પેકેજ પર જરૂરી નિર્દેશ નહીં હોવાના, પેકજનું રજિસ્ટ્રેશન નહીં હોવાના, પેકેજ પર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે, ઓછું વજન, વજનમાપની નિયત સમયમાં ચકાસણી નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ગ્રાહકોની ફરિયાદ સંદર્ભે પણ કેસો કરાયા હતાં. કુલ 679 કેસ કરી 10.19 લાખ દંડ વસૂલાયો હતો.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, નવેમ્બરમાં ડી-માર્ટને પેકેટ પર નિર્દેશ નહીં જણાવવા બદલ જૂના કેસમાં રૂ.90 હજાર દંડ ફટકારાયો છે. ઉપરાંત ચોખા બજારમાં પેકેજ પર નિર્દેશ નહીં દર્શાવનારા, વજનમાપ બરાબર ન હોવા બાબતે અને પેકેર રજિસ્ટ્રેશનની નોંધણી, કિંમત ચેકચાક, વજન નહીં રાખવા બદલ 11 વેપારીઓ સામે કેસ કરીને 93 હજાર દંડની વસૂલાત કરી હતી.

તોલમાપના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા કેસ કર્યા પછી દંડની નોટિસ આપવામાં વિલંબ કરાય છે. જેના લીધે કેટલાક કિસ્સામાં ગ્રાહકો ફરિયાદ કરવાનું ટાળે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ થઇ છે. ગત એપ્રિલથી નવેમ્બર સુધીમાં ઓનલાઇન અને ઓફલાઇન 78 ફરિયાદો આવી છે, જેમાંથી 67 ફરિયાદોનો નિકાલ થયો છે. હાલ 11 ફરિયાદો પેન્ડિંગ હોવાનો વિભાગે દાવો કર્યો છે. ગ્રાહકો ફરિયાદ કરે તેનો ઝડપથી નિકાલ થતો નથી.