ઈરાકમાં બગદાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગ, 50ના મોત
- ઈરાકની હોસ્પિટલમાં લાગી આગ
- દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
નવી દિલ્લી: ઈરાકની રાજધાની બગદાદ શહેરમાં એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 50 જેટલા લોકોના મોત પણ થયા છે. દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે.
આ સાથે જ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમની પણ હાલત ગંભીર જણાવાઈ રહી છે. હોસ્પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવાઈ રહ્યું છે. જો કે હજુ આ અકસ્માત પર તપાસ થવાની બાકી છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટને પણ આગનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃતિ નિવેદન બહાર પડ્યું નથી. હોસ્પિટલમાં ફક્ત ત્રણ મહિના પહેલા જ નવો કોરોના વોર્ડ શરૂ કરાયો હતો. જેમાં 70 બેડની વ્યવસ્થા કરાઈ હતી.
આ વર્ષે ઈરાકમાં આવું બીજીવાર બન્યું કે આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના આ રીતે મોત થયા. એપ્રિલમાં પણ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી જેમાં 83 લોકોના જીવ ગયા હતા. ત્યારે ઈબ્ર અલ ખાતીબ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં ધડાકો થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી.
સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા આમિર જમીલીએ જણાવ્યું કે આ અકસ્માત થયો ત્યારે વોર્ડમાં લગભગ 63 દર્દીઓ દાખલ હતા. ઈરાકના સિવિલ ડિફેન્સના પ્રમુખ મેજર જનરલ ખાલિદ બોહને કહ્યું કે હોસ્પિટલના નિર્માણમાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો હતો જે આગને વધુ તેજીથી ફેલાવવાનું કામ કરે છે.