Site icon Revoi.in

થરાદ-સાંચોર હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ લાગી આગ, એકનું મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધા રહ્યા છે. ત્યારે થરાદ-સાંચોર હાઈવે પર વારા અને ખોડા ગામ વચ્ચે ટેન્કર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. મોડી રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઇવે પર મોડીરાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદના ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  થરાદ સાંચોર હાઇવે પર મોડીરાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જતા બન્ને વાહનોમાં આગ લાગી હતી. ટ્રકમાં કોલસા ભરેલો હતો અને ટેન્કર ખાલી હતું. બન્ને વાહનોમાં લાગેલી આગ બે કાબુ બની હતી. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફાયર ટીમને જાણ કરતાં થરાદ નગરપાલિકા ફાયર અને સાંચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના બીજો બનાવમાં પાટણના રાધનપુર-વારાહી રોડ પર અલ્ટો કારે પલટી ખાધા બાદ આગ ફાટી નીકળતાં કારચાલક કારની અંદર જ ભડથું થઈ ગયો હતો. કારમાં લાગેલી આગ ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ બનતાં ચાલકને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નહોતો. અકસ્માતના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર બપોરના સમયે મઢુત્રા ગામનો યુવાન અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ હાઈવે પર અચાનક કારે પલટી ખાધી હતી. ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં નીકળી શક્યો નહિ અને અંદર જ ભડથું થઈ ગયો હતો.