Site icon Revoi.in

પાલનપુર-ડીસા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઊઠી, એક ચાલકનું મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં પાલનપુર- ડીસા હાઈવે ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બન્ને ટ્રકોમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી જતા બળીને ભડથું થઈ ગયો હતો. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર ગત રાતે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો. આગની વિકરાળ જ્વાળામાં આ વ્યક્તિ બળીને ભડથું થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી. જોકે, તેનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ પણ થયો હતો. ઘટનાને પગલે પોલીસ તત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા પાલનપુર નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ચપેટમાં આવેલી બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાધનપુરના સાંતલપુર નેશનલ હાઈવે પર ટ્રેલરમાં અકસ્માતે આગ લાગતા તેનો ચાલક જીવતો ભૂંજાઈ ગયો હતો. આ બનાવમાં મોટી પીપળી ગામ પાસે રાત્રી દરમિયાન એક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા સમગ્ર ટ્રેલર આગની લપેટમાં આવી ગયું હતું અને ડ્રાઇવર અંદર જ ફસાઈ ગયો હતો. જેથી ડ્રાઈવરનું ભડથું થઈ ગયું હતું. તેમજ ટ્રેલર પણ બળીને ખાખ થઈ ગયું હતું.