પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે ગાજારો અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. આજે શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં ત્રણના મોત નિપજ્યા હતા.
રાજ્યમાં અકસ્માતો વધતા જાય છે. ગઈકાલે રાત્રે થરાદના રાહ પાસે ટેન્કર પલટી મારતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, ત્યાર બાદ આજે ત્યારે વઘુ એક ઘટના બનાસકાંઠાના પાલનપુર- ડીસા બની હતી. એમાં બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી હતી.અકસ્માતના બનાવની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં જ ફસાયા હતા. અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે. જોકે રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ જાણી શકાયું નથી.
અકસ્માતની ઘટના મોટી હોવાથી સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પણ બનાવના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિક્ષામાં ત્રણ લોકો સવાર હતા જેમને પાલનપુર તરફથી આવી રહેલી ટ્રકે કચડ્યા હતા. પોલીસે ઘટનાનું પંચનામું કરીને ડેડબોડી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતને નજરે જોનારા લોકોએ એવી શક્યતા વ્યક્ત કરીને છે. કે, રિક્ષામાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો સવાર હતા. જોકે, હજુ સુધી મોતના આંકડા અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા રિક્ષાની નંબર પ્લેટના આધારે વધારે તપાસ શરુ કરાશે. આ સાથે પ્રાથમિક તપાસમાં આ અકસ્માત માટે ટ્રકના ડ્રાઈવર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ તપાસ બાદ જ સંપૂર્ણ હકીકત સામે આવશે.