Site icon Revoi.in

રાજકોટમાં કેમિકલ બનાવતી ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભિષણ આગઃ ચાર શ્રમજીવીના મોત

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં આવેલી કેમિકલ બનાવતી એક ફેકટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ અચાનક આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં ચાર શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે આઠ શ્રમજીવીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટની તિવ્રતા એટલી પ્રચંડ હતી કે બે કિમી સુધી સંભળાયો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામ આવેલી કેમિકલ ફેકટરીમાં 20થી વધારે શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ જતાં ધડાકાભેર ફાટી હતી અને અચાનક જ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આગની આ ઘટનામાં 3 શ્રમિકોના બનાવ સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 9 શ્રમજીવીઓ ગંભીગ રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક શ્રમજીવીનું મોત થતા મૃત્યુઆંક 4 ઉપર પહોંચ્યો હતો. જ્યારે 8 શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્ત શ્રમીકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા શ્રમજીવીઓ દૂર દૂર સુધી ફંગોળાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફેકટરીમાં થયેલા બ્લાટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો.

આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી હતી. ફેકટરીમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા પણ કવાયત હાથ ધરી છે.