Site icon Revoi.in

અમદાવાદના કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં આવેલા ફર્નિચરના કારખાનામાં લાગી આગ, એકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. મંગળવારે સરખેજ વિસ્તારના એક ગોદામમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બુધવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં  એક ફર્નિચરના કારખાનામાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયુ હતું. ફર્નિચરના કારખાનામાં કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ અને બનાવ સ્થળ પાસે આવેલી ચાર ઓરડીઓમાં આગ પ્રસરી ગઇ હતી. આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં ફર્નિચરના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત 9 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ મિલ કમ્પાઉન્ડમાં આ જગ્યા ઉપર તપાસ કરી તો એક વ્યક્તિની લાશ મળી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ બુધવારે બપોરે ગોમતીપુર વિસ્તારમાં આવેલી મિલ કમ્પાઉન્ડમાં એક ઇન્ડસ્ટ્રીયલ શેડ આવેલો છે, જેમાં ફર્નિચરના કારખાનામાં આગ લાગી હતી. પ્લાયવૂડ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડી સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ કાબૂમાં લીધા બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી તો એક વ્યક્તિ બળેલી હાલતમાં મળી આવ્યો હતો. આગ લાગી ત્યારે વ્યક્તિ અંદર રહી ગયો હતો અને બહાર ન નીકળી શકતા આગમાં દાઝી જવાથી તેનું મૃત્યુ થયું હતું.