અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પુષ્પકૂંજ નજીક એક જિમમાં આગ લાગતા મ્યુનિ.ના ફાયરફાયટરો દોડી ગયા હતા. દરમિયાન જીમમાં એક વ્યક્તિ આગમાં ફસાઈ હોવાની જાણ થતાં ફાયરના જવાનોએ તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જિમમાં પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
અમદાવાદ શહેરના મણિનગર- કાંકરિયા રોડ પર પુષ્પકુંજ ચાર રસ્તા પાસે એક જિમમાં વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલને મળ્યો હતો. ફાયર અધિકારી સહિતની પાંચ જેટલી ગાડીઓ પહોંચી હતી. દરમિયાન જીમમાં એક વ્યક્તિ હોવાની જાણ થઈ હતી. જેથી એસ્ક્લેટરની મદદથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મહેન્દ્ર નામના જિમમાં સૂઈ રહેલા યુવકને બહાર કાઢ્યો હતો. ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે ફાયર બ્રિગેડને જાણવા મળ્યું હતુ.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે આગનો એક બનાવ સાણંદમાં બન્યો હતો. સાણંદમાં અજન્તા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટારકો મલ્ટી પ્લાસ્ટ નામના પ્લાસ્ટિકના દાણાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક મેટિગનો 300 ટન જેટલો માલ બચાવી લેવામાં આવ્યો હતો. આગનું પ્રાથમિક કારણ બીડી સિગારેટના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ મામલે પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. (file photo)