અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતો જાય છે. સાથે જ આગ લાગવાના બનાવો પણ વધતા જાય છે. શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા જીન્સનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડીના મોતીપુરા ક્રોસ રોડ પાસે શ્યામજ્યોત એસ્ટેટમાં આવેલી એક કંપની જે જીન્સ વોશિંગ અને ફિનિશિંગ યુનિટ ધરાવે છે તેમાં વહેલી સવારે 5 વાગ્યે આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના ત્રણેક યુનિટમાં આગ લાગી હતી અને કંપનીમાં રહેલા જીન્સના મટીરીયલ બળીને ખાક થઇ ગયું હતું અંદાજે 50 ટન જેટલા મટીરીયલને નુકસાન થયું હતું.
આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા 10 ગજરાજ, 3 મીની ફાયર વોટર ટેન્કર સાથે 48 ફાયરમેન, 1 સબ ફાયર ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર, 1 ડીવીજીનોલ ઓફિસર અને 1 ચીફ ફાયર ઑફિસરની ટીમ દ્વારા સમગ્ર આગને ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. 5 વોટર કેનન અલગ અલગ જગ્યા પરથી ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આગની ઘટનાને પગલે પોલીસે એફ.એસ.એલ.ની ટીમને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.