અમદાવાદઃ શહેરના કાંકરિયા વિસ્તારમાં રાયપુરના કાંટોડીયા વાસ પાસે આવેલી મ્યુનિ.ની બંધ પડેલી ગુજરાતી શાળા નંબર 3-4ના મકાનમાં ગતરાતે આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્કૂલના ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે. અને અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા વિસ્તારમાં રાયપુર રોડ ઉપર વેદમાતા મંદિર પાસે કાંટોડીયા વાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરીયા સ્કૂલ નંબર ત્રણ-ચાર આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. ખૂબ જ મોટા કમ્પાઉન્ડમાં સ્કૂલનું મકાન છે. અને તેમાં એક આંગણવાડી પણ ચાલે છે. સ્કૂલમાં કેટલાક અસામાજિક તત્વો છેલ્લા કેટલાય સમયથી ઘૂસી જતા હોવાની ફરિયાદ કરતો પત્ર પણ મુખ્ય શિક્ષક દ્વારા સ્થાનિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇને લખવામાં આવ્યો હતો. નાના બાળકોની આંગણવાડીમાં ભણે છે, છતાં પણ આવા અસામાજિક તત્વો ત્યાં ઘૂસી જાય છે. પોલીસને જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતાં સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની છે.
એએમસીના સ્કૂલ બોર્ડના શાસના અધિકારી એલ. ડી. દેસાઈના કહેવા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી કાંકરિયા સ્કૂલ નંબર ત્રણ-ચાર બંધ હાલતમાં છે. સ્કૂલના એક ઓરડામાં રહેલા ભંગાર-પસ્તીમાં આગ લાગવાની ઘટના બની હતી. અસામાજિક તત્વો સ્કૂલના બંધ મકાનમાં પડ્યા રહેતા હોવાની અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આ આગ લાગવાની ઘટના બાદ પણ પોલીસમાં જાણ કરાઈ છે. સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે, પરંતુ કારણ જાણવા મળ્યું નથી.