રાજકોટઃ શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શહેરની નજીક આવેલા શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ આગમાં ફેક્ટરીમાં રહેલી મશીનરી અને અન્ય કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોને ચાર કલાક જહેમત કરવી પડી હતી.
શહેરના ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેર નજીક આવેલા શાપર-વેરાવળમાં આવેલી લેમ્બરટી નામની પ્લાસ્ટિકના દાણા બનાવી ફેક્ટરીમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગની માહિતી મળતા રાજકોટ અને ગોંડલના એમ ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આગને કારણે ફેક્ટરીમાં રહેલી મશીનરી અને કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગથી લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને કાબૂમાં લેવા રાજકોટથી ત્રણ અને ગોંડલથી એક ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતો. આગને કારણે ફેક્ટરીમાં રહેલા પતરા, દીવાલ અને કાચો માલ તેમજ મશીનરીને નુકસાન થયું હતું. આગની જાણ થતાં ફેક્ટરીના માલિક પણ પહોંચી ગયા હતા. વિકરાળ આગને કારણે આજુબાજુની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકને બહાર આવવા જણાવાયું હતું. છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હોવાનું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યું હતું.