દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના રોહિણી સેકટર-6માં આવે સવારે ભંગારની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક બાળક સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રોહિણી સેક્ટર-6માં આવેલી ભંગારની એક દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ દુકાન ઉપર બનાવવામાં આવેલી ઝુંપડી પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઝુંપડીમાં દુકાનમાં કામ કરતા મોનુ નામના યુવાનનો પરિવાર રહેતો હતો. આગની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા.
આ બનાવમાં એક બાળક સહિત બે વ્યક્તિઓના મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યાં હતા. જ્યારે નજીકમાં આવેલા એક નાળા પાસેથી ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામેલા યુવાનની લાશ મળી હતી. મૃતક યુવાનનું નામ રોહિત હોવાનું જાણવા મળે છે. તેમજ આગમાં ગંભીર રીતે દાઝી જતા બચવા માટે નાળા તરફ દોડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. ભંગારની દુકાનમાં શોટસરકીટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.