Site icon Revoi.in

ગાંધીનગરના સેકટર-10માં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ગરીબ પરિવારોની ઘરવખરી બળીને ખાક

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમીમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના સેકટર – 10 કર્મયોગી ભવન – બીજ નિગમ કચેરીની પાછળ શનિવારે સમી સાંજે શ્રમજીવી પરિવારે કામધંધેથી આવીને ખીચડી રાંધવા મૂકી હતી. દરમિયાન ગેસનો બાટલો લીકેજ હોવાથી આગ લાગતા ઘરના મોભી સહિતના લોકોએ આગ બુઝાવવા પાણી વાળું કપડું, ગરમ સાલ તેમજ બે ત્રણ ગોદડા ગેસના બાટલા ઉપર નાખ્યા હતા. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીએ લેતાં ઝૂંપડામાં લોખંડની પેટીમાં રાખેલા અંદાજીત સવા લાખ રૂપિયા સહિતનો સર સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ બનાવ ની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી એવી વિગતો મળી છે. કે, શહેરના સેકટર – 10 કર્મયોગી ભવન – બીજ નિગમ કચેરીની પાછળની બાજુએ જનકભાઈ મફાભાઈ દંતાણી દસેક લોકોનો પરિવાર સાથે રહે છે. જનકભાઈ છેલ્લા ચાર મહિનાથી ટેમ્પામાં શેરડીનાં કોલા વાળાઓને શેરડી વેચવાનો ધંધો કરે છે. જ્યારે તેમના પત્ની સહીતના લોકો પણ લારીમાં સીઝનલ ધંધો કરે છે. જનકભાઈ જથ્થાબંધ ભાવે શેરડીના ગોડાઉનમાંથી માલ ખરીદતા હોય છે. જેને એડવાન્સમાં પૈસા ચૂકવવાના હોવાથી તેમણે અંદાજીત સવા લાખની વ્યવસ્થા કરીને લોખંડની પેટીમાં રાખ્યા હતા. જ્યારે તેમની પત્ની – દીકરીઓએ પણ ધંધાનાં વકરાનાં પંદરેક હજાર પ્લાસ્ટિકની થેલીમાં મુકી રાખ્યા હતા. શનિવારે સાંજે પરિવારના લોકોને રાત્રે જમવા માટે ગેસ ઉપર ખીચડી બનાવવા મૂકી હતી. તે વખતે ગેસના બાટલામાં કોઈ કારણસર લીકેજ થવાથી આગ લાગી હતી. બાટલામાં સામાન્ય આગ હોવાથી જનકભાઈ સહિતના પરિવારના સભ્યોએ કોરું કપડું નાખીને આગ બુઝાવવાની મથામણ કરી હતી. પરંતુ આગ બુઝાઈ ન હતી. આથી તેમણે ગરમ સાલ પાણીમાં પલાળીને ગેસના બાટલા ઉપર નાખી હતી. પરંતુ ગરમ સાલ હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી. આથી બે ત્રણ પાણી વાળા ગોદળા ગેસના બાટલા ઉપર નાખ્યા હતા. તેમ છતાં આગ બુઝાવવાની જગ્યાએ વધુ વિકરાળ બની ગઈ હતી. જેનાં કારણે ઘરના બધા સભ્યોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. ગેસના બાટલાની આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જનકભાઈ સહીતના લોકો ઝૂંપડાની બહાર નીકળી ગયા હતા. અને જોતજોતામાં આગની ઝપેટમાં ઝૂંપડું ભડભડ સળગવા લાગ્યું હતું. જેમાં ઝૂંપડામાં રાખેલ લોખંડની પેટી તેમજ અન્ય જગ્યાએ મૂકેલા આશરે સવા લાખ રૂપિયા તેમજ અન્ય સર સામાન સળગીને ભડથું થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. બાદમાં શ્રમજીવી પરિવારે ઝૂંપડામાં જઈને જોતા રોકડા રૂપિયા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની ઘટનાથી ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.