Site icon Revoi.in

દિલ્હીમાં ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 27ના મોત

Social Share

નવી દિલ્હીઃ  દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નિકળતા 26 લોકોના મોત નિપજ્યા હતા. 10 જેટલા લોકો ગંભીરરીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલા કરાયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રીગેડના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને મોડી રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યુ હતું.  રાષ્ટ્રપતિ કોવિદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું, અને મૃતકોને શ્રદ્ધાજલિ આપી હતી.

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ત્રણ માળની એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજના સમયે આગ ફાટી નિકળી હતી. આગની આ દુર્ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે. તો 10 લોકો ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફંસાયેલા લોકોને બચાવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગ્યા ઘણી જ સાંકડી હોવાને કારણે ફાયરના જવાનોને આગ કાબુમાં લેવા માટે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. મધરાત સુધીમાં બિલ્ડિંગના બે માળમાં સર્ચિંગ પૂરું થઈ ગયું છે. ત્રીજા માળે સર્ચિગ ચાલી રહ્યું હતું.

દિલ્હીના ફાયર બ્રીગેડના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં 19 મૃતદેહ કાઢવામા આવ્યા છે. બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી. બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસ હતી. અહીંથી લગભગ 150 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. બિલ્ડિંગમાં ફંસાયેલા 9 જેટલાં ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 100 લાશ્કરો તૈનાત છે. બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આગમાં 60-70 લોકો ફંસાયા હોવાની જાણકારી મળી હતી, જેમાંથી મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઈમારતમાં જગ્યા ઓછી હતી અને વધારે સંખ્યામાં લોકો કામ કરતા હતા. આ સંજોગોમાં આગ લાગતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે લોકો ત્યાંથી ભાગી શક્યા ન હતા અને આ ઘટનાનો શિકાર બન્યા હતા. ગોદામમાં આગ લાગી અને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું.

દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે દિલ્હીમાં ભીષણ આગને લીધે લોકોના મોત થવાની ઘટનાથી ખૂબ જ દુખી છું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી આશા રાખુ છું.