સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી..
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીગંગાનાગર-તિરુચિરાપલ્લી હમસફર ટ્રેન વલસાડથી સુરત તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડના છીપાવાડ વિસ્તારમાં ટ્રેનના અચનાક આગ લાગી હતી, જે બાદ ગણતરીના મિનિટોમાં જ ટ્રેનનો એક કોચ પણ આગની ઝપટમાં આવી ગયો હતો. ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી, બીજી તરફ તાત્કાલિક ટ્રેનમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યાં હતા. ટ્રેનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર જોવા મળ્યાં હતા. પ્રાથમિક ધોરણે આ આગ જનરેટર કોચમાં શોર્ટ સર્કિટના કારણે પ્રસરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરુ કરાવી હતી. ટ્રેનમાંથી તાત્કાલિક ધોરણે તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના પગલે રેલવે લાઈન બંધ કરીને અન્ય ટ્રેનોને અટકાવવામાં આવી છેતો બીજી તરફ આગ ન બુઝાતા ડબ્બા અલગ પાડી દેવામાં આવ્યા હતા. આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યુ. જો કે સ્થાનિક અધિકારીઓ દ્વારા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જો કે આગ બુઝાયા બાદ આગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.