અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે, સાથે આગ લાગવાના બનાવો પણ વધતા જાય છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટના એક ગોદામમાં વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આગના બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના અધિકારીઓ સાત જેટલા લાયબંબા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઇડીના રો મટીરીયલના ગોડાઉનમાં આજે બુધવારે સવારે આગ ફાટી નિકળતા સ્થાનિક લોકોએ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરતાં નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. રામદેવ એસ્ટેટમાં આવેલા ગોડાઉનના માલિક દ્વારા ફાયર NOC લેવામાં આવેલી નહોતી. વર્ષો જૂનું ગોડાઉન હોવા છતાં પણ ફાયરબ્રિગેડ પાસેથી એનઓસી લેવામાં આવી ન હોવાથી હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે.
ફાયરબ્રિગેડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર વૈભવ એસ્ટેટની બાજુમાં આવેલા રામદેવ એસ્ટેટમાં આવેલી એક ગોડાઉનમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યાની નિકોલ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા અધિકારી સહિત સાત જેટલી ગાડીઓ સાથે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉનમાં ઉપરના માળે ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ત્યાર બાદ સીડી વડે ઉપર પહોંચી તેમાં રહેલા ધુમાડાને દૂર કર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રામદેવ એસ્ટેટમાં એલઇડી લાઈટના રો મિટીરિયલ્સ બનાવવાના ગોદામમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળ સુધી આગ લાગી હતી. જોકે લાઈટ પેલેસના માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી. જેને લઇને અનેક સવાલ ઊભા થયા છે. પૂર્વ વિસ્તારમાં આવેલા આ એસ્ટેટમાં મોટું ગોડાઉન હોવા છતાં પણ માલિક દ્વારા કેમ ફાયર એનઓસી લેવામાં નહોતી આવી અને ફાયર બ્રિગેડ દ્વારા હવે નોટિસ આપીને ગોદામના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.