Site icon Revoi.in

રાજકોટમાં જુના માર્કટિંગ યાર્ડમાં મગફળી અને બારદાનના જથ્થામાં લાગી આગ

Social Share

રાજકોટઃ શહેરના જુના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી અને ખાલી બારદાનના જથ્થામાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. દરમિયાન આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.  ફાયર ફાયટરોએ 2000 જેટલા મગફળીના કટ્ટા બચાવી લીધા હતા. જોકે આગમાં ખાલી બારદાન વધુ બળી ગયા હતા. આ બનાવની જાણ થતા લોધિકા સંઘના આગેવાનો દોડી આવ્યા હતા.

રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડમાં પડેલા બારદાનના જથ્થામાં બપોરના ટાણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ સમયસરની કામગીરીને કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ સ્ટાફે ચાર ફાયર ફાઇટરો સાથે ધસી આવી બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. આ આગમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો અને બારદાન મળી કુલ રૂ.5.61 લાખનું નુકસાન થયાનું બહાર આવ્યું છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ પડધરી-લોધિકા સંઘના બારદાનના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. જાણ કરતા ફાયર બ્રિગેડ ચાર ફાયર ફાઇટર સાથે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગના બનાવમાં ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, આગ બારદાનની ગાંસડીમાં લાગી હતી અને મગફળીના આશરે 2000થી 2500 કટ્ટા બચાવી લીધા હતા અને આગમાં આશરે પાંચ હજારથી વધુ બારદાન બળીને ખાક થઇ ગયા હતા.

લોધિકા સંઘના કર્મચારી મંડળના મંત્રીએ જણાવ્યું હતું કે, આગમાં 50થી 60 હજાર બારદાન અને તેમજ 40-50 કોથળા મગફળી સળગી જતા ભારે નુકસાન થયું છે. તાજેતરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની આવક હોય જેમાં મગફળીના 114નો લોટનો જથ્થો ખરીદ કરવો પડ્યો હોય જેમાં 50-60 કોથળા બચાવી લીધા હતા અને 40-50 કોથળા સળગી ગયા હતા