અમદાવાદઃ શહેરના ભર ઉનાળે આગના બનાવો વધતા જાય છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગરનાળા પાસે આવેલા મધુબન કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ 10થી વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાયેલો હતો, તેને દૂર કરી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. તેમજ 45 લોકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા.
અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગરનાળા પાસે મધુબન કોમ્પ્લેક્સમાં બીજા માળે એસીમાં શોક સર્કિટને કારણે આગ લાગી હતી. અને આગે જોતજાતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. કોમ્પ્લેક્સમાં ઓફિસો આવેલી છે. અને ઓફિસના કર્મચારીઓ આગથી બચવા માટે ધાબા પર જવા માટે સીડીથી ઉપર ચડવા લાગ્યા હતા. પરંતુ નવમા માળ સુધી પહોચ્યા હતા. પણ ધાબા પર જવા માટેનો દરવાજો બંધ હોવાથી નવમા માળે ફસાય ગયા હતા. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો 10 જેટલી ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એસીમાં આગ લાગવાના કારણે ધીમે-ધીમે ધુમાડો વધ્યો હતો. જે સમગ્ર કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાયેલો હતો, તેને દૂર કરવાની શરૂઆત કરી હતી. પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા લોકોનું ધીમે-ધીમે રેસ્ક્યૂ કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. કુલ 45 લોકોને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા.
અમદાવાદ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, મધુબન કોમ્પ્લેક્સમાં ચોથા માળે એસીના ડેકમાં પાછળના ભાગે આગ લાગી હતી. આશરે 10 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં ઓફિસો આવેલી છે અને જેમાં લોકો કામ કરતા હતા. કુલ 45 જેટલા લોકોને અમે રેસ્ક્યુ કર્યા છે. બ્રિથિગ સિસ્ટમનો ઉપયોગ કરીને લોકોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી.