અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારી- જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગને બુઝાવી દીધી હતી. અને 600 વાહનને સળગતાં બચાવી લીધાં હતાં.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોતા બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાં આગની ઘટના બની હતી. જેમાં 35 વાહનો બળીને ખાક થઇ ગયા હતા. નોકરિયાત વર્ગ અને અન્ય લોકો AMCના પાર્કિંગમાં વ્હિકલ પાર્ક કરતા હોય છે. આગનું કારણ જાણી શકાયું નથી. આગને કાબુમાં લેવા માટે 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. તો બીજી તરફ પાર્કિગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ કાબુમાં આવી ગઈ હતી. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
શહેરના ફાયરબ્રીગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયરબ્રિગેડને 11 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા 36 વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેને પાણીનો મારો ચલાવી અને કાબુમાં લેવામાં આવ્યા હતા પંદરથી વીસ મિનિટ માં ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલમાં આગને ઠારવાની કામગીરી કરવામા આવી છે.