ખેડાના પરીએજ તળાવમાં આવેલા ઝાડી-ઝાખરામાં આગ, એક મગરનું મોત અને પાંચ દાઝ્યાં
અમદાવાદઃ ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પરીએજ તળાવમાં આવેલ ઝાડી – ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા હતા, જ્યારે એક મગરનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને વનવિભાગ દ્વારા દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. વનવિભાગ દ્વારા ઘટના અંગે કલેક્ટરને કોઈ જાણ કરવામાં ન આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પરીએજ તળામાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. વહીવટી તંત્ર દ્વારા આ તળાવનું વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન તળાવની ઝાડી-ઝાંખરામાં અચાનક આગ લાગી હતી. આગની આ ઘટનામાં એક મગરનું મોત થયાનું જાણવા મળે છે. જ્યારે પાંચ મગર દાઝી ગયા હતા. આ બનાવની જાણ થતા વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પાંચ પૈકી એક મગરની ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ચાર મગરોનું રેસ્ક્યુ કરીને તળાવમાં મુક્ત કરવામાં આવ્યાં હતા. આટલી ગંભીર ઘટના થવા છતાં પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને પણ કરવામાં આવી ન હતી. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસમાં માંગણી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.