અમરેલી : જિલ્લામાં સિંહોના ટોળા જે વિસ્તારમાં ફરે છે તે ખાંભાના લાપાળા ડુંગરામાં ભયાનક આગ ફાટી નીકળી છે. મોડી રાતથી લાપાળાના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી, જે હજી સુધી કાબુમાં આવી નથી. આગ લાગતા જ વન વિભાગ એલર્ટ થઈ ગયુ છે. વન્ય પ્રાણીઓને બચાવવા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા. સ્થળ મુલાકાત બાદ વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આગથી વન્યપ્રાણીને કોઈ નુકસાન નથી.
ખાંભાના લાપાળાના ડુંગરાળ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને સિંહોનો મોટી સંખ્યામાં વસવાટ હોય છે. આ વિસ્તારમાં અચૂક સિંહો ફરતા જોવા જ મળતા હોય છે. ત્યારે આ જ વિસ્તારમાં આગ ફાટી નીકળી છે. લાપાળઆના ડુંગરમાં લાગેલી આગ ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહી છે. તો બીજી તરફ, ઝડપથી પ્રસરી રહેલા ડુંગરોમાં લાગેલી આગને બુઝાવવા વન વિભાગ પણ પાછળ પડી રહ્યું છે. આગ વધુ પ્રસરે નહિ તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
અમરેલીના મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં જ આગની ઘટના બનતા વનવિભાગ સતર્ક બન્યું છે. શુક્રવારે સાંજના સમયે ખાંભાના લાપાળા ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે.આગના કારણે ખાંભા હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. ગીરના જંગલ વિસ્તાર નજીકમાં જ આગનો બનાવ બનતા વનવિભાગ સતર્ક બન્યું છે અને આગ વધુ પ્રસરે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. ધારી ગીર પૂર્વ ડી.સી.એફ.રાજદીપ સિંહ ઝાલાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આગ રેવન્યુ વિસ્તારમાં છે. બાજુમા મિતિયાળા જંગલ પણ છે. હાલ આમરી ટીમ ઘટના સ્થળે હાજર છે. હાલ વન્યપ્રાણીને કોઈ નુકસાન નથી.