Site icon Revoi.in

વડોદરાની સયાજી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં AC બ્લાસ્ટ થતાં લાગી આગ,

Social Share

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં આજે બુધવારે સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગતા દર્દીઓમાં નાસભાગ મચી હતી. દરમિયાન આગની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લીધી હતી.

વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં આજે સવારે  AC બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે AC બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી. બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો.  આગને લીધે ઈએનટી વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે સયાજી હોસ્પિટલના RMOએ જણાવ્યુ હતું કે,  આજે વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં ફાયરના સાધનો લગાવેલા છે. આગ લાગી કે તરત જ  કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સવારનો બનાવ હોવાથી કોઈ દર્દીઓ હાજર ન હતા કે મેડિકલ સ્ટાફ પણ હાજર ન હતો.

આ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ સાથે પોલીસ પણ દોડી આવી હતી. ઇએનટી વિભાગના ACમાં ધડાકાભેર આગ લાગી હતી. જે આસપાસના વાયરિંગમાં પ્રસરી હતી અને આખા રૂમને બાનમાં લેતા ધુમાડો ફેલાયો હતો. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય શકે છે. આ આગની ઘટનામાં MGVCLના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી.