ભાવનગરઃ જિલ્લાના ગારિયાધારમાં ભૈરવનાથ ચોકમાં દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચનારાઓની લારીઓ (રેકડીઓ) લાઈનમાં ઊભી હતી. અને ભૈરવનાથ ચોક બજારમાં દિવાળીને લીધે લોકોની ખરીદી માટે ભીડ ઉમટી હતી. ત્યારે ફટાકડાની એક લારીમાં એકાએક આગ લાગતા બાજુમાં જ ઊભેલી ચાર લારીમાં આગ લાગી હતી. અના લારીમાં વેચવા માટે રખાયેલા ફટાકડા ફુટવા લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ગારિયાધારમાં રેંકડીઓમાં વેંચાતા ફટાકડામાં આગ ફાટી નીકળતા કાળી ચૌદશે જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ફટાકડાની એક લારીમાં લાગેલી આગે આસપાસની અન્ય ત્રણ લારીઓને પણ ચપેટમાં લેતા રસ્તા પર અફરાતફરી મચી હતી. લારીઓમાં લાગેલી આગના કારણે આસપાસના વેપારીઓના જીવ પડીકે બંધાયા હતા. દિવાળીની પૂર્વ સંધ્યાએ ગારીયાધારના લોકો પણ ખરીદી કરવા માટે બજારમાં ઉમટ્યા હતા. ભૈરવનાથ ચોકની પાછળ જાહેર રસ્તા પર જ લારીમાં ફટાકડાનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું. આ સમયે જ એક લારીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા પળભરમાં આસપાસ ઉભેલી અન્ય ત્રણ લારીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આગના કારણે લારીમાં રહેલા રોકેટ, બોમ્બ સહિતના ફટાકડાઓ આડેધડ ફૂટવા લાગતા બજારમાં રીતસરની નાસભાગ મચી હતી.
ભૈરવનાથ ચોક બજારમાં ફટાકડાની લારીઓમાં આગ લાગતા સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનાથી આગ કાબૂમાં આવી શકી ન હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ગણતરીની મિનિટોમાં જ આ વિસ્તારનું ચિત્ર બદલાઈ ચૂક્યું હતું. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંજના સમયે ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો કે, ગારીયાધાર ભૈરવનાથ મંદિરની પાછળ ભાગમાં લારીઓમાં વેચાણ કરતા ફટાકડાની લારીઓમાં આગ લાગી હતી તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જઈ એક ગાડી પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.