અંબાજીના જંગલમાં કૈલાસ ટેકરી નજીક લાગી આગ , ધૂમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં
અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની નજીક આવેલા કૈલાસ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા અંબાજી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાના સમયમાં અનેક વાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. ઝાડી તેમજ જંગલ વિસ્તારોમાં મોટાભાગે આગ લાગતી હોવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. કૈલાસ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની જાણ થતાં જ અંબાજીના સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરતા ફાયરફાઈટરો આગની સ્થળે પહોંચી ગયા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાકો કર્યા હતા. દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ પણ આગના સ્થળે આવી પહોચ્યા હતા. પવનની ગતિ તેજ હોવાને કારણે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે, કે, થોડા દિવસો પહેલા અંબાજી નજીક આવેલા દાંતાના જંગલમાં પણ આગ લાગી હતી. અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી. અકવલ્લીના જંગલ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન આગ લાગવાના બનાવો બનતા હોય છે.