Site icon Revoi.in

માળિયા-મિંયાણા હાઈવે પર કાર કન્ટેનર સાથે અથડાતા આગ લાગી, બે યુવાનો ભૂંજાઈ ગયા

Social Share

મોરબીઃ જિલ્લામાં અકસ્માકોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં મોરબીથી કચ્છ તરફ જતા હાઈવે અકસ્માતો માટે કૂખ્યાત બની ગયો છે. માળિયા-મિયાંણા નજીક હાઈવે પર પંચવટી ગામના પાટિયા પાસે પૂરફાટ જતી ઈકોકાર કન્ટેનરની પાછળ અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં મુસાફરી કરી રહેલા બે શ્રમિકોના આગમાં જીવતા ભૂંજાઈ જતા મોત નિપજ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે,  મૂળ ઉતરપ્રદેશના વતની બે શ્રમિકો ઇકો કારમાં બેસી રાજકોટથી નલિયા જતા હતા. ત્યારે માળીયા નજીક ઇકો કાર કન્ટેનરની પાછળ અથડાતા કારમાં પળવારમાં જ આગ ભભૂકી ઉઠતા કારમાં ઊંઘી રહેલા બને શ્રમિકો આગમાં જીવતા ભૂંજાઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર ઘટનામાં માળીયા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ કરુણ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં રાજકોટ કાલાવડ રોડ ઉપર એવરેસ્ટ પાર્કમાં રહેતા અતુલભાઇ જગદીશભાઇ શર્માએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,  તેઓ સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ સાથે ઇકો કારમાં બેસી રાજકોટથી નલિયા જતા હતા. ત્યારે માળીયા નજીક આવેલા પંચવટી ગામના પાટીયા પાસે આવેલા રેલવે ઓવરબ્રીજ ઉપર તેમની ઇકો કાર કન્ટેનર પાછળ અથડાઈ હતી. ઇકો કાર કન્ટેનર સાથે અથડાતા પળવારમાં જ ઇકો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતની કરુણતા એ હતી કે, અકસ્માત સર્જાયો તે સમયે શ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ ઇકોકારમાં થાકને કારણે ઊંઘી રહ્યા હોય ઊંઘમાંથી જાગીને ગાડીની બહાર નીકળે તે પૂર્વે જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા બન્ને આગમાં જીવતા જ ભડથું થઈ ગયા હતા.

આ ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા અતુલભાઇ જગદીશભાઇ શર્માએ ઇકો કારના ચાલક ગોપાલ મગનભાઇ રામાનુજ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.