Site icon Revoi.in

દ્વારકામાં જગત મંદિરના શિખર પર હવે ઈલેક્ટ્રિક ઉપકરણની મદદથી ધ્વજાનું આરોહણ કરાશે

Social Share

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત જિલ્લા કલેકટર અને દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા ચાર્જ સંભાળ્યા બાદ દ્વારકાધિશના દર્શને આવ્યા હતા. કલેક્ટરે દર્શન કર્યા બાદ નિર્દેશ આપ્યો હતો કે, દ્વારકાધિશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્વ છે અને તેમાં વારંવાર થતા અકસ્માતોને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈને આવનારા સમયમાં દ્વારકા જગત મંદિર ઉપર ચડાવતા ધ્વજાજીના આરોહણ માટે ઈલેક્ટ્રીક ઉપકરણોના માધ્યમથી અકસ્માત નિવારણ માટે વિચારણા થશે. મંદિરના શિખર પર ઈલેક્ટ્રિક ઉપકરણો દ્વારા ધજા ચઢાવાશે.

દેવભૂમિ દ્વારકાના જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર અશોક શર્માએ ચાર્જ સંભાળ્યા બાદ દ્વારકાધિશના દર્શન કરીને મંદિરના વિકાસ માટેની સમીક્ષા કરી હતી. દ્વારકા જગત મંદિરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવ નિર્માણાધિન કોરીડોરના વિકાસ કરવા માટે ખાસ પ્રાધાન્ય આપવાનુ પણ જણાવ્યું હતું. તેમજ મંદિર પરિસર અને શહેરની સ્વચ્છતા ઉપર ભાર મુકતા કલેક્ટરે નગરપાલિકાને કેટલાક ખાસ પ્રકારના સૂચનો કર્યા હતા. કલેક્ટરનું દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી રમેશભાઈ હેરમાં, ગુગળી સમાજના પૂજારી પરિવારના પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું.

​​અત્રે ઉલ્લેખનિય છેકે,  અંબાજી અને સોમનાથ યાત્રાધામમાં ધ્વજાજીનું આરોહણ ઇલેક્ટ્રીક ઉપકરણોના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. જ્યારે નવ નિયુક્ત કલેકટર અશોક શર્માને સોમનાથ મંદિરની વ્યવસ્થાનો પણ અનુભવ હોય જેથી દ્વારકાના વિકાસ માટે તેઓ એક મજબૂત પાયાથી કાર્ય શરૂ કરી શકશે.

ભગવાન દ્વારકાધીશજીના મંદિરે સવારથી સાંજ સુધી દરરોજ નિયત સમયે જુદી જુદી પાંચ ધ્વજાજીનું ભાવિક સમુદાય દ્વારા આરોહણ કરવામાં આવે છે.સમયાંતરે નિત્ય થતા ધ્વજારોહણ પણ ભાવિક ગણમાં ભારે અસ્થા ધરાવે છે.