Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી નદીમાં હવે આકાર લેશે તરતી રેસ્ટોરન્ટ

Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે અનેક આકર્ષણો ઉમેરાયા છે. રિવરફ્રન્ટની બન્ને બાજુ વૃક્ષો વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે. તેમજ સી-પ્લેન સેવા પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ જોય રાઈડ પણ શરૂ કરવામાં આવી છે તેમજ હવે સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં રિવરફ્રંટને અડીને તરતી રેસ્ટોરન્ટ હવે ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે તેવા એંધાણ મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન’ (એએમસી) વિધાનસભાની ચૂંટણી પહેલા તેને કાર્યરત કરી દેવાના મૂડમાં છે. તરતી રેસ્ટોરન્ટ શહેરીજનો માટે અનોખુ આકર્ષણ બની રહેવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટની પશ્ચિમ બાજુએ 50થી 100 વ્યક્તિઓને સમાવી શકે તેવી તરતી રેસ્ટોરન્ટ ઊભી કરવાનો અગાઉ પ્લાન કરાયો હતો. તેની સામે પૂર્વ બાજુના લોકોને વિકાસથી વંચિત રહી ગયા હોય તેવી લાગણી ન અનુભવાય તેથી મ્યુનિ.એ  બે તરતી રેસ્ટોરન્ટ મુકવાનો વિચાર મૂકાયો હતો. દરમિયાન સાબરમતી રિવરફ્રંટ કોર્પોરેશન લિમીટેડે’ (એસઆરડીસીએલ) આ પ્રોજેક્ટને આગળ ધપાવવાની પ્રકિયા હાથ ધરી હતી. અને રીવર ક્રુઇઝ અને તરતી રેસ્ટોરન્ટ્સને કાર્યરત કરવા માટે ઓક્ટોબર 2021માં દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં કહેવાય છે. કે, બે  કંપનીઓ આ પ્રોજેક્ટ મેળવવા માટે સ્પર્ધામાં છે. જેમાંની એક ટ્રાવેલ બિઝનેસ સાથે અને અન્ય સ્થાનિક રેસ્ટોરન્ટ ચેઇન છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેર સ્થિત કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થઇ રહી છે. આ પ્રોજેક્ટના અમલીકરણના અમલ પાછળનું કારણ છે. જોકે બન્ને કંપનીઓને ન્યાય મળી રહે તે માટે શહેરના બન્ને કિનારે રેસ્ટોરન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. મ્યુનિના સત્તાધિશોએ સાબરમતી રિવરફ્રંટ પર બે તરતી રેસ્ટોરન્ટ સ્થાપવાનું નક્કી કર્યુ છે. અને કંપનીઓ દ્વારા મોકલવામાં આવેલા દરખાસ્તોની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. બીડ ખુલ્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે. આખરી મંજૂરી બાદ રેસ્ટોરન્ટ તૈયાર કરવા માટે છ મહિના લાગશે.
ઉલ્લેખનીય છે કે તરતી હોટેલ વિકસાવવા માટેની બીડ સૌપ્રથમ વખત સાત વર્ષ પહેલા મંગાવવામાં આવ્યા હતા અને એક કંપનીએ તેમાં રસ દર્શાવ્યો હતો. જોકે આખા વર્ષ દરમિયાન રેસ્ટોરન્ટ ચાલુ રહે તે માટે નદીમાં પૂરતું પાણીનું સ્તર જાળવી રાખવાની એએમસીના અધિકારીઓએ ખાતરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ આ પ્રોજેક્ટ અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યો હતો. પરંતુ 2019માં એસઆરડીસીએલએ ફરીથી રેસ્ટોરન્ટ અને રીવર ક્રુઇઝની દરખાસ્ત કરી હતી. અનેક કંપનીઓએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ ત્યારે કોવિડને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં મુકાઇ ગયો હતો. (file photo)