ભરૂચઃ રાજ્યમાં કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ ભ્રષ્ટ તંત્રને લીધે વિકાસ કામોનું નબળું બાંધકામ મહિનામાં જ તૂટી જતું હોય છે. ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલો ફલાય ઓવરબ્રિજ માત્ર 25 દિવસમાં જ તૂટી ગયો છે. આ બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બનાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ વરસાદમાં બ્રિજ પર ગાબડાં પડતા આ અંગે તપાસની માગ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દહેજ–ભરુચ રેલવે લાઇન ઉપર સમની ગામ નજીક રેલવે ફાટક ઉપર ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 25 દિવસ અગાઉ જ વાહનના આવન જાવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ ગણ્યા ગાંઠયા દિવસમાં જ આ ફલાય ઓવર બ્રિજ ખખડપાંચમ બન્યો છે. થોડા દિવસોમાં જ બ્રિજમાં મસમોટા ગાબડાં પડી જતા બ્રિજનું કામ નબળુ કરવામાં આવ્યુ હોવાનું છતું થઈ ગયું છે. પ્રથમ વરસાદનો માર જ આ ફલાય ઓવર બ્રિજ ન ઝીલી શક્યો અને રસ્તોખખડપાંચમ બની ગયો છે. એક વાહનચાલકે પોતાના વાહનમાંથી આ માર્ગનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ માર્ગનું નિર્માણ કેટલું તકલાદી કરવામાં આવ્યું હશે તે જોઈ શકાય છે. ઉપરાંત આ ફલાય ઓવર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું દહેજ–ભરુચ રેલવે લાઇન ઉપર સમની ગામ નજીક રેલવે ફાટક ઉપર ફલાય ઓવર બ્રિજ રૂપિયા 23 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અને બ્રિજનું લોકોર્પણ કરાયાને મહિનો પણ પુરો થયો નથી. ત્યાંજ બ્રિજ પર ગાબડાં પડવા લાગ્યા છે. આ મામલે વિજિલન્સની તપાસ કરવામાં આવે અને સુપરવિઝન માટે જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી તેની સામે પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.