અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધારો થયો છે. શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પાંજરાપોળ ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 74 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે. આ ટુ લેન બ્રિજ આંબાવાડી-પોલીટેકનિકથી વસ્ત્રાપુર બાજુ બનાવાશે. એએમસી દ્વારા આ અંગેની ટેન્ડર પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવામાં વધારો કરવા છતાંયે વાહનોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. આથી ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે એએમસી દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તા પર બ્રિજ બનાવવામાં આવે છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઓવર બ્રિજ રૂ. 74 કરોડના ખર્ચે ટુ લેન બનાવાશે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ ફ્લાય ઓવરબ્રિજ બનશે. આશરે 650 મીટરનો આ ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ટેન્ડર બાદ બ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવશે. પાંજરાપોળ ચાર રસ્તા પર બ્રિજ બનતા અંદાજે 1.50 લાખ લોકોને ફાયદો થશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડીથી વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટીથી નેહરુનગર તરફ જવાના રોડ ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટુ લેન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની નીચે પેવર બ્લોક પાર્કિંગ બનાવવામાં આવશે. બ્રિજની લંબાઈ આશરે 650 મીટર અને પહોળાઈ 17 મીટર રહેશે. સરળતાથી વાહનો પસાર થઈ શકે તેના માટે દર બે સ્પાને એક કંટીન્યુટી એક્સપાન્શન જોઈન્ટ બનાવવામાં આવશે. બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરતાં બ્રિજના બંને તરફના રોડ ઉપર વાઈટ ટેપિંગ પદ્ધતિથી રોડ બનાવવામાં આવશે. (file photo)