રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ નજીક રૂ.1,405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું થોડા મહિના પહેલા જ વડાપ્રધાનના હસ્તો લોકાર્પણ કરાયું હતુ. શહેરથી એરપોર્ટ દૂર છે. અને ખાસ તો હાઈવેના ટ્રાફિકમાંથી એરપોર્ટ પહોંચવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યુ છે. ત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ જવા માટે ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 કરોડના ખર્ચે 1.50 કિલોમીટરનો ફલાય ઓવરબ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત PMO દ્વારા રાજકોટ જિલ્લાના અલગ અલગ વિકાસકામોની સમીક્ષા કરવામા આવી હતી. જેમાં આ ફ્લાઈઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ટી સેક્શનમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે PMOની સમીક્ષા બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. ઘણા સમયથી હીરાસર એરપોર્ટ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ વિચારણામાં હતો. આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનો ડીપીઆર બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે. આ બ્રિજને રાજકોટથી એરપોર્ટ જતાં મુસાફરો અમદાવાદ હાઈવેમાં ટ્રાફિકમાં ફસાય ન જાય અને સીધા જ એરપોર્ટ ઉપર પહોંચી જાય એ રીતે જોડી દેવામાં આવશે. ટૂક સમયમાં જ આ બ્રિજનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખની છે કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરે છે, પરંતુ આગામી સમયમાં અહીંથી લંડન સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઉડાન ભરવાની છે, ત્યારે આગામી સમયમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખી એરપોર્ટ પર જતા મુસાફરો માટે અલગથી ટી સેક્શનમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટેનો નિર્ણય લેવાયો હતો જેને PMO એટલે કે પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ દ્વારા મંજૂરી મળી ગઈ છે. ફ્લાય ઓવરબ્રિજ માટે ડિઝાઇન ફાઈનલ થઈ ગઈ છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંની ફાળવણી કરવામાં આવતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનશે. જેથી એરપોર્ટ પર જતા મુસાફરો આ બ્રિજ ઉપરથી જશે અને અન્ય વાહનચાલકો બ્રિજ નીચેથી પસાર થશે.