આણંદઃ હાઈવે પર અડાસ ગામ નજીક રાતના સમયે વાહનચાલકોને લૂંટવાના ઈરાદે ફરતી પરપ્રાંતની ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. સાગરિતો પાસેથી પોલીસે દેશી તમંચા, કારતૂસ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા હતા. લૂંટારૂ ગેંગના બે સાગરીતને પોલીસ પકડી લીધાં હતાં. જોકે, ચાર લૂંટારૂ અંધારામાં ફરાર થઇ ગયાં હતાં. વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. નાગોલ સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અડાસ પાસે સફેદ કલરની કાર પાસે છ શખસ ઉભા રહી રસ્તા પર પસાર થતા વાહનોને હથિયાર બતાવી રોકવાની કોશીષ કરતાં હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. પરંતુ આ ગેંગને પોલીસના આગમનની ગંધ આવતી જતાં તેઓએ નાસભાગ કરી હતી. આખરે પોલીસને તેમાંથી બે શખસને પકડવામાં સફળતા મળી હતી. આ બન્ને શખસને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં તે સંદીપ રાજેશસીંગ નરોત્તમસીંગ સીસોદીયા (ઉ.વ.32, રહે. ઉધઇ, જિ. હાથરસ, ઉત્તરપ્રદેશ) અને રવિકુમાર ઉર્ફે કુલપતિ બિજેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌધરી (ઉ.વ.32, રહે. પર્વતપુરી, જયપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી પોલીસે બે દેશી બનાવટના તમંચા, બે કારતુસ, ધારદાર છરો, મોબાઇલ, કાર મળી કુલ રૂ.5,03,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત તેના ભાગી ગયેલા સાગરીતોના નામ સરનામા પણ મેળવ્યાં હતાં. આ ગેંગ વિશે પુછપરછ કરતાં તેઓ હાઈવે અને રહેણાંક વિસ્તારમાં ઘાતક હથિયાર સાથે ધાડ પાડી લૂંટ ચલાવતાં હતાં. જોકે, વાસદ પોલીસની સતર્કતાથી આણંદમાં ધાડ અને લૂંટનો બનાવ અટક્યો હતો.
આ અંગે વાસદ પોલીસે સંદીપ રાજેશસીંગ સીસોદીયા, રવિકુમાર ઉર્ફે કુલદીપ બિજેન્દ્ર ચૌધરી ઉપરાંત ભાગી ગયેલા કનૈયા ઉર્ફે કાના ભગેલ, ક્રિષ્ણા ચૌધરી, સુંદર ભગેલ અને પંકજ (રહે. તમામ હાથસર, ઉત્તર પ્રદેશ) સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.