અમદાવાદઃ મારક હથિયારોના પાર્ટસ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને ક્રાઈમબ્રાન્ચે વિદેશી નાગરિકને ઝડપી લીધો છે. આ વિદેશી નાગરિક સાથે એક સ્થાનિક યુવાનની પણ અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યમનનો અબ્દુલ અઝીઝ નવેમ્બર 2021માં મેડિકલ વિઝા ઉપર પિતાની સારવાર કરાવવા ભારત આવ્યો હતો. તેના પિતા સારવાર બાદ ડિસેમ્બરમાં પરત જતા રહ્યાં હતા. જ્યારે અબ્દુલ અમદાવાદ આવ્યો હતો. તેમજ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. એટલું જ નહીં હથિયારો માટે જરૂરી કેટલાક પાર્ટ શહેરની વિવિધ ફેકટરીઓમાં બનાવતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી ગનના કેટલાક પાર્ટસ મળી આવ્યાં હતા. એટલું જ નહીં વિવિધ પાર્ટસના 18 જેટલા ચિત્રો પણ મળી આવ્યાં હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. આ ઉપરાંત પોલીસે એક સ્થાનિક વ્યક્તિની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ રાજકોટના એક ટ્રાન્સલેટરને રાખ્યો હતો. તેમજ શહેરની વિવિધ ફેકટરીમાં ગનના અલગ-અલગ પાર્ટ તૈયાર કરાવ્યાં હતા. આરોપી પાસેથી તેની ડાઈઝ પણ મળી આવી હતી. યમનમાં હાલ ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે. તેમજ ત્યાં લોકો પાસે મોટી સંખ્યામાં હથિયારો છે. એટલું જ નહીં તેનો મિત્ર હથિયાર રિપેરીંગનું કામ કરે છે. જેથી અબ્દુલ અઝીજ વિવિધ પાર્ટસ અહીંથી મોકલતા હોવાની શકયતા છે. આરોપીની તપાસમાં ચોંકનાવારા ખુલાસા થવાની શકયતા છે.