અમદાવાદઃ ગુજરાતમાં પોલીસની ધોંસ હોવા છતાંયે ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી ડ્રગ્સના પેકેટો પકડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી મહિલાને 2.12 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. એનસીબીની ટીમે ફિલિપાઇન્સથી આવેલી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા 3 સ્કૂલ બેગમાં નોટબુક, કમ્પાસ બોક્સ અને લંચ બોક્સની આડમાં ત્રણ પેકેટમાં હેરોઈન લઈ આવી હતી. જોકે આ હેરોઇનની ડિલિવરી અમદાવાદમાં કોને કરવાની હતી તે દિશામાં એનસીબીએ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર નાર્કોટિસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ ફિલિપાઈન્સથી આવેલી વિદેશી મહિલાની 2.12 કિલો હેરોઈન સાથે ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ પેડલર તરીકે મહિલાઓનો ઉપયોગ વધતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરદાર પટેલ એરપોર્ટ પર મંગળવારે રાતે આવી રહેલી ફ્લાઇટમાં ફિલિપાઇન્સની મહિલા પાસે હેરોઇનનો જથ્થો હોવાની માહિતી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે તેમણે એરપોર્ટની અંદર વોચ ગોઠવી હતી. દરમિયાન ફ્લાઇટમાંથી ઊતરેલી જીનાલીન પડિવાન લિમોન (ઉં.41) ને ટીમે અટકાવી હતી. તેની તપાસ કરતા તેની પાસેથી ત્રણ સ્કૂલ બેગમાંથી 2.12 કિલો હેરોઇન મળી આવ્યું હતું. એનસીબીએ આ જથ્થો કબજે કરી જીનાલીનની ધરપકડ કરી હતી. આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.10 કરોડની આસપાસ થાય છે. જોકે જીનાલીન આ હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવી હતી અને કોને આપવાનો હતો તે દિશામાં એનસીબીની ટીમે તેની પૂછપરછ શરૂ કરી હતી.
એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જીનાલિન પાસેથી મળી આવેલા 2.12 કિલો હેરોઈનના ત્રણ પેકેટમાંથી એનસીબીની ટીમે થોડા થોડા નમૂના લઈને તે તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. હેરોઈન કઈ ક્વોલિટીનું છે તેના પરથી તેનો ભાવ નક્કી કરી શકાશે. આ ઉપરાંત એનસીબીની ટીમે જીનાલીનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. ફિલિપાઈન્સથી 2.12 કિલો હેરોઈન લઈને અમદાવાદ આવેલી જીનાલીન અમદાવાદમાં આ હેરોઇન કોને આપવાની હતી તે હજુ પોલીસ જાણી શકી નથી.